3 સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા અને 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ચોમાસાની ટ્રફ લાઈન પણ સક્રિય હોવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે.

અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાં પડી શકે. ગઈકાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સિઝનનો કુલ 593.3 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 51.4 મિમી વધુ છે. એટલે કે, અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ નોંધાયો છે.

આગામી બે દિવસ ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા ચાલુ રહેશે. 28થી 30 ઓગસ્ટ દરમિયાન પણ વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં. રાહતની વાત એ છે કે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં ક્યાંય પણ અતિભારે વરસાદની કોઈ ખાસ ચેતવણી જાહેર કરી નથી.

Leave a comment

Trending