કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ તીવ્ર બની

કચ્છ-સૌરાષ્ટ્ર 35 ટકાથી વધુ વરસાદની ઘટથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ચોમાસામાં વરસાદી મોટી ઘટને પગલે દ્વારકા, પોરબંદર સહિતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને માઠી અસર પહોંચી રહી છે. તેવામાં કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉગ્ર બની છે. આ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા 6 અઠવાડિયાથી વરસાદનો છાંટો પણ ન પડતાં ખેતી અને પશુપાલન પર ઘેરા સંકટના વાદળો ઘેરાયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે તે માટે અનેક જગ્યાએ ખેતરમાં યજ્ઞ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની માગ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોની વેદના સાંભળવામાં આવે તે માટે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકીસાથે અલગ-અલગ 50 જેટલી જગ્યાઓ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા સહિત વિવિધ જિલ્લાઓમાં ખેતરોમાં સુકાઈ ગયેલી ખેતપેદાશો અને પાક હોમીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

હવામાનની આંકડાકીય વિગતો મુજબ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની ઘટ હોવાથી સ્થિતિ અત્યંત દયાજનક બની છે. જેમાં આ વર્ષે દ્વારકા જિલ્લામાં 88%, પોરબંદરમાં 72%, કચ્છમાં 60% જેટલી વરસાદની ભયાનક ઘટ નોંધાઈ છે.

પાક ધિરાણ માફી: કુદરતી આફતનો સામનો કરી રહેલા ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
સૌની યોજનાથી પાણી: ‘સૌની યોજના’ મારફતે સૌરાષ્ટ્રના તમામ ખાલીખમ ડેમોમાં નર્મદાના નીર તાત્કાલિક પહોંચાડવામાં આવે.
રાહત કામો: ખેડૂતો અને ખેતમજૂરો માટે ગામડાંઓમાં તાત્કાલિક રાહતકામો ચાલુ કરવા.

Leave a comment

Trending