મૃત્યુ પછી પણ આપો દ્રષ્ટિનું દાન, કોઈના અંધકારમય જીવનમાં પ્રગટે ઉજાસ
મૃત્યુ પછી પણ કોઈના જીવનમાં દ્રષ્ટિ નો પ્રકાશ પ્રગટાવી શકાય એવા માનવીય સંદેશ સાથે અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના નેત્રવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ ૨૫મી ઓગસ્ટ થી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ૪૧માં નેત્રદાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રદાન પખવાડિયાની ફળશ્રુતિ અંગે તબીબોએ કહ્યું કે,લોકોમાં નેત્રદાન પરત્વે જાગૃતિ આવી અને નેત્રદાનમાં પણ વધારો નોંધાયો છે.૭ જેટલી વ્યક્તિઓએ નેત્રદાન કરી, નેત્રદાનની ગરિમા વધારી હતી.એટલું જ નહીં અનેક લોકોએ નેત્રદાન માટે સંકલ્પ પત્રો પણ ભર્યા છે.દાતાઓનો આભાર માનતા હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડૉ.કવિતા શાહે નેત્રદાન માટે ૯૭૨૬૪ ૩૦૭૮૩ ઉપર જી.કે.જનરલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પખવાડિયા દરમિયાન ઉજવણીના ભાગ રૂપે રીલ અને સામાજિક માધ્યમો દ્વારા જાગૃતિ અભિયાન, હોસ્પિટલના વિવિધ સઘન સારવાર વિભાગો તથા વોર્ડમાં પરિવારજનો અને સ્ટાફ માટે કાર્યક્રમો તેમજ નેત્રદાન અંગેની ગેરમાન્યતા દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દરમિયાન યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે સ્વ – રચિત ચિત્ર ખૂણો તથા વિવિધ જાગૃતિ અભિયાન પ્રવૃત્તિ યોજાઇ હતી.ડો. લક્ષ્મી આહીર દ્વારા ગેઇમ્સ નર્સિંગ સ્ટાફ માટે નેત્રદાન વિષય પર વિશેષ વ્યાખ્યાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માધાપર ખાતે આવેલા વિકલાંગ વિદ્યાવિહાર, ત્રિમંદિર ભુજ ખાતે સામુદાય જાગૃતિ અને પહોંચ કાર્યક્રમો તેમજ કે.કે. પટેલ હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે નેત્રદાન અંગે વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
આ પ્રસંગે ભવ્ય સમાપન કાર્યક્રમો યોજાયા હતા.જેમાં તબીબી સ્નાતક વિધાર્થીઓ દ્વારા નાટિકા, નેત્રદાન સંકલ્પ, ટીશર્ટ ચિત્રકામ સ્પર્ધા તથા ઇનામ વિતરણ જેવી પ્રવૃતિ યોજાઈ હતી સમગ્ર અભિયાનમાં રેસિડેન્ટ્સ,સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી રહી હતી. ટી શર્ટ ચિત્રકામ સ્પર્ધાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને પ્રથમ ત્રણ ક્રમાંકિતને પ્રોત્સાહિત કરાયા હતા.





Leave a comment