શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની યોજના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 3700 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
વાલીઓ 17 એપ્રિલ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જિલ્લામાં 353 ખાનગી શાળા આવેલી છે, જેમાં ધોરણ-1 માં 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ અનામત રાખવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 2539 બેઠકો પર પ્રવેશ અપાશે.
ગત વર્ષે 2457 બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ મળ્યો હતો. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન ભરાયેલા ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાશે. જો કોઈ અરજીમાં વિગતો અધૂરી જણાશે, તો વાલીઓનો સંપર્ક કરીને તે પૂર્તતા કરાવવામાં આવશે.
ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ રાઉન્ડ જાહેર કરી બાળકોને શાળાઓ ફાળવવામાં આવશે. વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. હજુ 4 દિવસ બાકી હોવાથી અરજીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.





Leave a comment