ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે હવે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મુખ્યત્વે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠું પડવાની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
હવામાનમાં આ ફેરફાર માટે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે અને પ્રી-મોન્સૂન જેવી ગતિવિધિઓ જોવા મળશે.
વરસાદ પહેલા 18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારો ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહેશે. ગત 24 કલાકમાં રાજકોટમાં 42.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.






Leave a comment