– અકસ્માતમાં પેટના ક્ષતિગ્રસ્ત હિસ્સાની ઇમરજન્સી ને જટિલ શસ્ત્રક્રિયા કરી ડ્રાયવરને જીવતદાન
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દી એવા ડ્રાયવરને થયેલા એક જાનલેવા ગંભીર અકસ્માતના કેસમાં પેટના આંતરિક અવયવો એટલી હદે વિચ્છેદિત થઈ ગયા હતા કે જનરલ સર્જરી વિભાગે લાંબી જહેમત પછી ઓપરેશન કરી બિહારી ડ્રાયવરને જીવતદાન આપ્યું.
હોસ્પિટલના સર્જન અને આસિ.પ્રોફે.ડો.હેત સોનીએ સફળ શસ્ત્રક્રિયા કર્યા બાદ કહ્યું કે,આ એક દુર્લભ સર્જરી હતી.બિહારથી કચ્છ આવતા ડ્રાયવરને ગંભીર અકસ્માતમાં સ્ટીયરિંગ પેટમાં સખત વાગવાને કારણે બ્લન્ટ એબડોમીનલ ટ્રોમા(પેટના અંદરના અવયવોને નુકસાન)સાથે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા.
જયારે પેશન્ટનું એડમિશન થયું ત્યારે બેભાન અવસ્થામાં હોવા ઉપરાંત તેમનું બી.પી.પણ પકડાતું નહોતું.મુઢમારની ગંભીરતા ચકાસવા સિટીસ્કેન વિગેરે ચકાસણી કરતા આંતરિક અંગોને ભારે નુકસાન પહોંચ્યાનું સચોટ નિદાન થયું.
જેમાં સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)નું ઉપરનું માથું છુંદાઈ ગયું હતું. નાના આંતરડાને પણ સખત નુકસાન પહોંચ્યું હતું જ્યારે પિતનળી સંપૂર્ણ તૂટી ગઈ હતી.પેટની આ જટિલ પરિસ્થિતિ જોવા મળતા સર્જનો તાત્કાલિક ટ્રોમેટિક વિપ્પલ સર્જરીના નિષ્કર્ષ પર આવ્યા અને એક સફળ ઓપરેશન કર્યું.
દર્દીને વેન્ટિલેટરની સારવાર પણ અપાઈ અને છેવટે દોઢ મહિનાની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.આ ઓપરેશનમાં સર્જન ડો.કૃણાલ શેઠ,ડો.તીર્થ પટેલ વિગેરે જોડાયા હતા.ટ્રોમેટિક વિપ્પલ સર્જરી એક એવી ઇમરજન્સી અને જટિલ શસ્ત્રક્રિયા છે,જેમાં ક્ષતિગ્રસ્ત શિર (હેડ)ને હટાવી દેવામાં આવે છે.






Leave a comment