અમદાવાદના વૃદ્ધ મહિલાને અજાણ્યા શખ્સે વિડીયો કોલ કરીને પોલીસના કપડા પહેરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. વૃદ્ધાને મની લોન્ડરિંગ કેસમાં તેમનું બેન્ક એકાઉન્ટ વપરાયું હોવાનું કહીને કેસમાંથી બચવા કોર્ટ ફી ભરવા જણાવ્યું હતું. એટલું જ નહીં ગઠિયાઓએ વૃદ્ધાના દીકરાઓને શૂટ કરી દેવાની પણ ધમકી આપી હતી. વૃદ્ધાએ ડરીને 5.31 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા છતાં વધુ પૈસાની માંગણી કરતા વૃદ્ધાના દીકરાને જાણ થઈ હતી. જેથી વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
વાડજ વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધ મહિલા એકલા રહે છે. 15 માર્ચના રોજ મહિલાને વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોલીસની વર્ધી પહેરી હતી. આ વ્યક્તિએ પોતાની ઓળખ મોહિત ગુપ્તા તરીકે અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી તરીકેની આપી હતી. જે બાદ મહિલાને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડથી ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટ મની લોન્ડરિંગ કેસમાં વપરાયું છે. અત્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસમાંથી બચવા તેમણે કોર્ટની ફી ભરવી પડશે. ગઠિયાએ વૃદ્ધા પાસેથી બેંકની વિગત અને તેમની પાસે રહેલા દાગીના અને સંપત્તિની વિગત મેળવી હતી.
ગઠિયાએ વૃદ્ધાને કેસમાંથી બચવા માટે કોર્ટની ફી ભરવાનું કહેતા વૃદ્ધા બેંકમાં ગયા હતા અને 5.31 લાખ રૂપિયાની રકમ ગઠીયાએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તમારો કેસ કોર્ટમાં ચાલે છે. તો બીજા પૈસા જમા કરો અને તમારા ઘરેણા વેચીને પણ પૈસા જમા કરો.
વૃદ્ધાને ડરાવવા માટે IBનો નકલી લેટર અને સુપ્રીમ કોર્ટનો પણ નકલી લેટર મોકલ્યો હતો. વૃદ્ધાને સતત વિડીયો કોલ કરતો હતો અને બીજા પૈસા મંગાવતો હતો. આ દરમિયાન વૃદ્ધાનો દીકરો ઘરે આવ્યો ત્યારે તેણે વૃદ્ધાના ફોનમાં તપાસ કરી ત્યારે ફ્રોડ થાય છે જાણ થઈ હતી. વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.






Leave a comment