મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર

કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે.

દિનેશ ત્રિવેદીનો પરિવાર મૂળ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેમના પિતા ભાગલા પૂર્વે કરાચીમાં સ્થાયી થયા હતા, પરંતુ દેશના વિભાજન બાદ તેઓ દિલ્હી આવ્યા અને ત્યારબાદ કોલકાતામાં સ્થાયી થયા હતા.

4 જૂન, 1950ના રોજ જન્મેલા દિનેશ ત્રિવેદીએ એમબીએ બાદ કોમર્શિયલ પાયલોટની તાલીમ પણ લીધી હતી. તેમણે 1990માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1996માં તેઓ કચ્છ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુષ્પદાનભાઈ ગઢવી સામે ચૂંટણી લડ્યા હતા.

ત્યારબાદ લાંબો સમય TMC (તૃણમૂલ કોંગ્રેસ)માં રહ્યા બાદ 2021માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી તેમજ 2012માં રેલમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પલટા બાદ ભારત માટે આ નિમણૂક અત્યંત મહત્વની છે. શેખ હસીના બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને હવે તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ બદલાતા સમીકરણો વચ્ચે દિનેશ ત્રિવેદીની ભૂમિકા નિર્ણાયક રહેશે. કચ્છના આ વિરલ નેતાની નિમણૂક રાજકીય અને રાજદ્વારી બંને દ્રષ્ટિએ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે.

  • ભાષાકીય પ્રભુત્વ : પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ સુધી સક્રિય રહેવાને કારણે તેઓ બંગાળી ભાષા પર પૂરતું પ્રભુત્વ ધરાવે છે, જે બાંગ્લાદેશ સાથેના રાજદ્વારી સંબંધોમાં સેતુરૂપ બનશે.
  • વહીવટી અનુભવ: લોક સભા અને રાજ્યસભા તેમજ પૂર્વ રેલમંત્રી તરીકેનો તેમનો બહોળો અનુભવ બંને દેશો વચ્ચેના વેપાર અને પરિવહન સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ થશે.
  • વ્યૂહાત્મક પગલું : પશ્ચિમ બંગાળના રાજકારણના જાણકાર હોવાથી, સરહદી મુદ્દાઓ અને હિન્દુ સમુદાયની સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર તેઓ સચોટ કામગીરી કરી શકશે.

વર્ષ 2012-2013માં દિનેશ ત્રિવેદી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા, ત્યારે ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ માત્ર એકાદ વર્ષ સુધી રેલ્વે મંત્રીના પદ પર રહ્યા હોવાથી તેમના કાર્યકાળમાં કોચ ફેક્ટરી શરૂ કરાવી શક્યા ન હતા. અને ત્યાર બાદ યુપીએ કે એનડીએની સરકારે આ જાહેરાતના અમલી કારણ માટે કોઈ પગલા ન લેતા ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બની શકી નથી, તેમના જ કાર્યકાળ સમયે ભુજ શાલીમાર ટ્રેનની જાહેરાત કરીને તેમને જન્મ ભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ટ્રેનના માધ્યમથી સેતુ બાંધ્યો હતો.

બિદડા ગામના વતની અને પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને બિદડા અને સર્વોદય ટ્રસ્ટ સાથે તેમનો અતૂટ નાતો રહ્યો છે.

આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાએ જણાવ્યું હતું કે, ત્રિવેદી પરિવાર અને તેમના પરિવાર વચ્ચે વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. દિનેશભાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સક્રિય છે.

તાજેતરમાં જ જાન્યુઆરી માસમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં નવી સરકાર સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે દિનેશ ત્રિવેદીની પસંદગી પાછળ તેમનું ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી પરનું પ્રભુત્વ મુખ્ય છે. અગાઉ ‘ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભારતીય ડિપ્લોમેટ્સનું પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેઓ તેમાં સામેલ હતા.

Leave a comment

Trending