જી.કે. જન. હોસ્પિ.ના ત્વચા વિભાગે લ્યુપસ અંગે (સ્વયં પ્રતિરક્ષા રોગ) આપ્યું માર્ગદર્શન

શરીરની આંતરિક સુરક્ષા માટે નિર્મિત રોગ પ્રતિરક્ષા પ્રણાલી જ રક્ષકને બદલે ભક્ષક બને તો

શરીરમાં રોગ ફેલાવે તેવા  બહારના બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિકાર કરવા કુદરતે શરીરમાં જ ઓટો ઇમ્યુન અર્થાત રોગ પ્રતિરક્ષા પ્રણાલીનું નિર્માણ કર્યું હોય છે,પરંતુ આ સિસ્ટમ બેક્ટેરિયા સામે લડવાને બદલે દેહના આંતરિક અવયવો ઉપર જ આક્રમણ કરે તો તેને લ્યુપસ જેવા એટલે કે સ્વયં પ્રતિરક્ષા રોગ કહે છે. આ રોગ અંગે જાગૃતિ ફેલાવવા અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ત્વચા વિભાગે તાજેતરમાં યોજાયેલા લ્યુપસ ડે નિમિતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સ્કિન વિભાગના ડો. જૂઈ શાહ અને ડો.ઐશ્વર્યા રામાણીના માર્ગદર્શન તળે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા ડો.સાક્ષી શાહ જણાવ્યું કે, આ રોગનું કોઈ નિશ્ચિત કારણ નથી, પણ આનુવંશિક  અને પર્યાવરણીય પરિબળો મુખ્યત્વે જવાબદાર હોય છે. વર્ષ દરમિયાન આ રોગના ૬૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 

 “વહેલું નિદાન સ્વસ્થ જીવન” થીમ હેઠળ આયોજિત જાગૃતિ  કાર્યક્રમમાં લ્યુપસના લક્ષણો, જોખમકારક પરિબળો તથા  બચવાના ઉપાયો અંગે જણાવ્યું કે લાંબા સમય સુધી થાક લાગવો અને તાવ આવવો,સાંધામાં દુખાવો અને સોજો થવો,ચહેરા પર બટરફ્લાય રેશ, સૂર્યપ્રકાશ પ્રત્યે ત્વચા સંવેદનશીલ બને, વારંવાર મોઢામાં ચાંદા પડવા અને વાળ ખરવા જેવા સામાન્ય લક્ષણો વિશે સમજાવવામાં આવ્યું. મહિલાઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

આ રોગ માત્ર ત્વચા જ નહીં કિડની અને ફેફસાં પર અસર કરી  શકે છે. હૃદય અને ફેફસાં પર અસર થવાથી છાતીમાં દુખાવો તથા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. મગજ પર અસર થવાથી માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો  જેવા લક્ષણો દેખાઈ શકે છે. ઉપરાંત રક્ત સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

દરમિયાન દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ સાથે સંવાદ કરી લ્યુપસ અંગેની ગેરસમજો દૂર કરવામાં આવી. સાથે જ સન પ્રોટેક્શન, દવાઓનું નિયમિત પાલન અને સમયસર ફોલોઅપના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. ઉપસ્થિત લોકોને માહિતી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.લ્યુપસના લક્ષણો જણાય તો વેળાસર ત્વચા સહિત ફિઝિશયન અને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ડો. જય આમલાણી,ડો.નૌશીન શેખ,ડો. આર્યા પટેલે કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. 

Leave a comment

Trending