– જવાનોની શારીરિક અને માનસિક સજ્જતા જાળવવા આખા અનાજનું અસાધારણ મહત્વ
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના આહાર વિભાગ દ્વારા ભુજ સ્થિત BSF ૬૮ બટાલિયન કેમ્પસમાં ‘પૌષ્ટિક આહાર અને મિલેટ્સના ઉપયોગ’ વિષયે વાર્તાલાપનું આયોજન કરી, દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનોની શારીરિક ક્ષમતા અને માનસિક સજ્જતા જાળવવામાં ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટ્સનું (આખું અનાજ) અસાધારણ મહત્વ જવાનોને સમજાવ્યું હતું.
સીમા સુરક્ષા દળના જવાનોનું કાર્ય અત્યંત કઠિન અને તણાવયુક્ત હોવાથી, તેમની કાર્યક્ષમતા વધારવા માટે હાઈ-પ્રોટીન અને પોષક તત્વોથી સભર સંતુલિત આહારની અનિવાર્યતા પર ભાર મૂકી ડાયેટિશ્યન ઉર્વીબેન મોતાએ જણાવ્યું હતું કે, દૈનિક આહારમાં બાજરી, જુવાર, રાગી, કંગની અને કોદરી, સામો જેવા મિલેટ્સનો સમાવેશ કરવાથી શરીરમાં લાંબા સમય સુધી ઊર્જાનો પ્રવાહ ટકી રહે છે. મિલેટ્સ ફાઈબર અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવાને કારણે પાચનતંત્રને સુધારે છે અને શરીરના વજનને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે.
મિલેટ્સમાં રહેલા વિટામિન્સ અને ખનિજો સ્વાસ્થ્યને જાળવી રાખવા અને દ્રષ્ટિ તેજ બનાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે તેમજ મિલેટ્સને પોષકતત્વોનો ખજાનો ગણવામાં આવે છે. ફૌજી જવાનો માટે સ્નાયુઓની મજબૂતી અત્યંત જરૂરી છે, માટે અંકુરિત કઠોળ, મગ, ચણા અને રાજમાં પ્રોટીનના શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત ઉપયોગી સાબિત થાય છે. હાડકાના સ્વાસ્થ્ય અને કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ તેમજ માનસિક સતર્કતા માટે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે.
આ પ્રસંગે BSF કેમ્પસના ડો. અનાયા સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતાં. જવાનોએ રસપૂર્વક પ્રશ્નોતરી પણ કરી હતી.






Leave a comment