પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે મહિના દરમિયાન આવક અને માલ પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ કરીને ભુજ તાલુકાના દેશલપર અને અબડાસા તાલુકાના સણોસરા ફ્રેટ ટર્મિલે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ કામગીરી નોંધાવી મંડળની આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.
અમદાવાદ મંડળે મે મહિનામાં અંદાજે 688 કરોડની કુલ આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 7.01 ટકા વધુ છે.
માલભાડા ક્ષેત્રમાં કચ્છના દેશલપર ફ્રેટ ટર્મિનલે 13.40 કરોડની ઐતિહાસિક આવક નોંધાવી છે. જ્યારે અબડાસા તાલુકાના સણોસરા ફ્રેટ ટર્મિનલે 10.75 કરોડની આવક સાથે પોતાનો અત્યારસુધીનો નવો રેકોર્ડ સર્જ્યો છે.
અમદાવાદ મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા નવા ગ્રાહકો, નવા ગંતવ્યો અને નવી સામગ્રીને રેલવે સાથે જોડવાના પ્રયાસો સફળ રહ્યા છે.
કંડલા પોર્ટથી પોલ્લાચી જંક્શન સુધી આઈટીસી લિમિટેડની પ્રથમ મિની રેક મારફતે સોયાબીન એક્સટ્રેક્શન અને ફ્લેક્સનું પરિવહન કરવામાં આવ્યું, જેના કારણે 42.06 લાખની વધારાની આવક મળી છે.
કચ્છમાંથી ઔદ્યોગિક મીઠું, બેન્ટોનાઇટ અને જૈવિક ખાતર જેવી સામગ્રી દેશના વડોદરા, ભાવનગર, સિકંદરાબાદ, કોટા, પુણે, જમ્મુ અને ખુર્દા રોડ જેવા નવા ગંતવ્યો સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી છે. રેલવેના આ પ્રદર્શનથી કચ્છના ખનિજ અને બંદર આધારિત ઉદ્યોગોને પણ નવી ગતિ મળી હોવાનું માનવામાં આવે છે.
કચ્છમાંથી થતું બેન્ટોનાઇટનું પરિવહન પણ આવકનો મુખ્ય સ્ત્રોત બન્યું છે. બેન્ટોનાઇટ લોડિંગ દ્વારા અમદાવાદ મંડળને મે મહિનામાં ₹24.29 કરોડની ઐતિહાસિક માસિક આવક પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, મેસર્સ મેગ્નસ માઇન્સ એન્ડ મિનરલ્સ લિમિટેડ દ્વારા સણોસરાથી ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ સુધી બેન્ટોનાઇટની રેક મોકલાતા ₹1.07 કરોડની વધારાની આવક પ્રાપ્ત થઈ છે.





Leave a comment