છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારોમાંથી સતત નાણાં પાછા ખેંચવાના વલણને જોતાં, કેન્દ્ર સરકાર અને આરબીઆઇ(RBI) એ સંયુક્ત રીતે એક મોટો આર્થિક નિર્ણય લીધો છે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, જેના કારણે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયામાં શાનદાર મજબૂતી જોવા મળી છે.
સરકારની મંજૂરી સાથે આરબીઆઇએ વિદેશી રોકાણકારોને સરકારી જામીનગીરીઓ (G-Secs) માં રોકાણ કરવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં મોટી છૂટ આપી છે. નવા પ્રસ્તાવ અનુસાર, વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બોન્ડ્સમાંથી મેળવવામાં આવતા વ્યાજ પર લાગતો 20% ટેક્સ હવે સંપૂર્ણપણે નાબૂદ (પૂરો) કરી દેવામાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ટેક્સ સ્ટ્રક્ચરને વૈશ્વિક બજારને અનુરૂપ બનાવવાનો છે, જેથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય ડેટ માર્કેટમાં ખુલ્લેઆમ નાણાં રોકી શકે.
સરકારના આ આર્થિક બૂસ્ટરની સીધી અસર કરન્સી માર્કેટ પર જોવા મળી છે. શુક્રવારે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયામાં જોરદાર તેજી નોંધાઈ હતી. શરૂઆતી કારોબાર દરમિયાન રૂપિયો એકઝાટકે 84 પૈસા મજબૂત થઈને 95 ના સ્તર નીચે પહોંચી ગયો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ તે 94.92 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારના વિશ્લેષકોનું માનવું છે કે ટેક્સમાં મળેલી આ મોટી છૂટના કારણે ભારતમાં વિદેશી મૂડીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધશે.
વર્ષ 2026ની શરૂઆતથી જ ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ જોવા મળી રહ્યો હતો અને ડૉલર સામે 5% કરતાં વધુ તૂટી ચૂક્યો હતો. રૂપિયાના આ ધોવાણ પાછળ મુખ્ય બે કારણો જવાબદાર હતા:
ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે ભારતનું આયાત બિલ ખૂબ વધી ગયું હતું, જેથી ડૉલરની માંગ ઊંચી રહી હતી.
ઇક્વિટી માર્કેટમાંથી આઉટફ્લો: વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં બહાર ખેંચી રહ્યા હતા, જેના લીધે સ્થાનિક બજારમાંથી ડૉલર બહાર જઈ રહ્યો હતો.
આર્થિક નિષ્ણાતોના મતે, આ ઐતિહાસિક નિર્ણયથી માત્ર રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો જ નહીં અટકે, પરંતુ ભારતીય બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધશે. સરકારને આશા છે કે આ પગલાથી દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને નવી તાકાત મળશે અને ચાલુ ખાતાની ખાધ(Current Account Deficit)ને સંતુલિત કરવામાં મોટી મદદ મળશે. જે રીતે વિદેશી મૂડીનું આગમન શરૂ થયું છે, તેને જોતાં આગામી દિવસોમાં રૂપિયો વધુ સ્થિર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.





Leave a comment