ભુજ આરટીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રખાશે

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ આરટીઓ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. બુધવારે શહેરના વ્યસ્ત એવા જ્યુબિલિ સર્કલ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં આરટીઓની અલગ અલગ બે ટીમો દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. ઝુંબેશ અંતર્ગત સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા અન્ય ખાનગી વાહનોની તપાસ કરાઈ હતી.

જેમાં નિયમોનો ભંગ કરતા 35 વાહન ચાલકોને સ્થળ પર 1.26 લાખના મેમો અપાયા હતા.આ સરપ્રાઈઝ ચેકિંગ હજુ પણ આગામી દિવસોમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ચાલકોમાં જાગૃતિ લાવવા શાળાઓમાં સેમિનારનું પણ આયોજન કરાશે.

ચેકિંગ દરમિયાન આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા પણ સમજ અપાઈ હતી. ખાસ કરીને સ્કૂલ વાહનોમાં ફાયર સેફ્ટીના સાધનો, બારીઓ પર સુરક્ષાની ગ્રીલ ફરજિયાત છે. પરમિટમાં નક્કી કરેલી ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવા નહીં, ઓવર સ્પીડમાં વાહન દોડાવનારા સામે પગલાં લેવાશે.

Leave a comment

Trending