ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં આતંકવાદી નેટવર્ક અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ષડયંત્રનો પર્દાફાશ કરીને વધુ 5 આતંકઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બીજી જુલાઈના રોજ આઠ આતંકીની ધરપકડ કરાઈ હતી. આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાંથી પૂછપરછ માટે લાવવામાં આવેલા સાક્ષીઓ અને અગાઉ પકડાયેલા આરોપીઓની કબૂલાતના આધારે વધુ 5 શખસોની સંડોવણી ખુલવા પામી હતી. આતંકવાદી કૃત્યો પાર પાડવાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ કોર્ટે આ તમામ 5 આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. આ આતંકીઓ વર્ષ 2023થી જ બોમ્બ બનાવવાની અને IED ડેટોનેટર કરવાની ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા હતા. આ માટે તેઓએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ તેમજ લોકલ માર્કેટમાંથી ગન પાઉડર બનાવવા માટેનું રો-મટીરીયલ (કાચો માલ) ખરીદ્યું હતું. એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026 સુધીમાં તેઓએ અલગ-અલગ નિર્જન જગ્યાઓ પર કુલ 8 વખત એક્સપ્લોઝિવ ટાઈમર મિકેનિઝમથી આઈઈડી (IED) બ્લાસ્ટ કરવાના સફળ પરીક્ષણો (ટેસ્ટ) પણ કર્યા હતા.
ગુજરાત ATS દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી આઈઈડી બનાવવાની સામગ્રી ઉપરાંત આતંકી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે એકત્રિત કરવામાં આવેલ 1,30,000 રૂપિયાનું ફંડ, જૈશ-એ-મોહમ્મદનો ઝંડો અને આતંકી મસૂદ અઝહરની ‘અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે’ જેવી ઉગ્ર જેહાદી કિતાબો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.
પકડાયેલા નવા 5 આરોપીઓ
•બિલાલ શેરા (ઉંમર વર્ષ: 24)
•મોહમ્મદ ઐયુબ કડીવાલ (ઉંમર વર્ષ: 22)
•મોહમ્મદ ઐયુબ સુણસરા (ઉંમર વર્ષ: 20)
•મોહમ્મદ સફી મુખી (ઉંમર વર્ષ: 21)
•મોહમ્મદ હસન કરડિયા (ઉંમર વર્ષ: 20)
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ તમામ આરોપીઓ રાજ્યના વિવિધ મદ્રેસાઓમાં રહીને અભ્યાસ કરતા હતા અને ત્યાં રહીને જ આતંકી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તે અન્ય નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરવા માટે આતંકી આકા મસૂદ અઝહરના ઝેરીલા જેહાદી બયાનો અને વીડિયો પેનડ્રાઈવ મારફતે વહેંચતા હતા. આ ઉપરાંત, તે મસ્જિદોમાં ગુપ્ત રીતે ભેગા થઈને આઈઈડી (IED) અસેમ્બલ કરવાની તાલીમ મેળવતા હતા. આ નરાધમોએ મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે કથિત જેહાદમાં જોડવા માટે અત્યાર સુધીમાં કુલ 3 વખત ‘દાવત’ પણ આપી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવી છે.
ગુજરાત ATSની આ કામગીરીથી એક મોટું મોડ્યુલ પકડાયું છે અને અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. આ લોકો કોઈના ફંડિંગથી નહીં, પરંતુ પોતાના જ બચાવેલા પૈસાથી નાની માત્રામાં એટલે કે 200, 300, 400 કે 500 ગ્રામના મિક્સચર બનાવીને દૂર અવાવરું જગ્યાઓ પર બ્લાસ્ટના એક્સપેરિમેન્ટ કરતા હતા. અત્યાર સુધીની તપાસમાં તેણે કોઈ ચોક્કસ ટાર્ગેટ નક્કી કર્યો હોય અથવા તો બિલ્ડીંગ કે હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા મેઈલ સાથે તેનો કોઈ સંબંધ હોય તેવું જાણવા મળ્યું નથી. હાલ આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે. જો અન્ય કોઈની સંડોવણી જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી થશે.






Leave a comment