ભુજ શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા હોટલ અને ધાબા કોમ્બિંગ અભિયાન દરમિયાન નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જનતાઘર નજીક આવેલા નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી પોલીસે રૂ. 19.30 લાખથી વધુ કિંમતનું 96.5 ગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે. આ કેસમાં બે આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી માદક પદાર્થોના નેટવર્કની એક મહત્વપૂર્ણ કડી ખુલ્લી પડી છે.સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી જિલ્લામાં હોટલ, ગેસ્ટ હાઉસ અને ધાબાઓમાં વિશેષ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની સંયુક્ત ટીમે નીલકંઠ ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામજસ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા (બિશ્નોઈ) અને પંજાબના ફિરોઝપુર જિલ્લાના હરપ્રીતસિંઘ બલવિન્દરસિંઘનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રો અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં બંનેએ સ્વીકાર્યું છે કે તેઓ હેરોઇનનો જથ્થો પંજાબથી ટ્રેન મારફતે ગુજરાત લાવ્યા હતા અને અહીં નાના પ્રમાણમાં વેચાણ કરવાનો તેમનો ઇરાદો હતો.
હેરોઇન ઉપરાંત, પોલીસે બે મોબાઇલ ફોન, રોકડ રકમ, રેલવે અને ટ્રાવેલ્સની ટિકિટો તેમજ ઓળખ સંબંધિત દસ્તાવેજો સહિત કુલ રૂ. 19.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ અગાઉ પંજાબમાં એનડીપીએસના ગુનાઓમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલ દરમિયાન તેમની ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ તેમણે ગુજરાતમાં નશીલા પદાર્થોનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી બહાર લાવવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.





Leave a comment