મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધીમીધારે બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવારે વહેલી સવારથી પણ યથાવત રહ્યો હતો. છેલ્લા 12 કલાકમાં બાલાસિનોરમાં સૌથી વધુ 50 મિ.મી. (લગભગ 2 ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, લુણાવાડામાં 40 મિ.મી. અને કોઠંબામાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોને અસહ્ય ગરમી તથા બફારાથી રાહત મળી છે.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. ગોધરામાં 14 મિ.મી., વીરપુર અને સંતરામપુરમાં 13-13 મિ.મી. જ્યારે ખાનપુરમાં 3 મિ.મી. વરસાદ પડ્યો હતો. કડાણા તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
જોકે, ખેડૂતો પાક માટે હજુ સારા અને વ્યાપક વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓ માટે જીવનદાયી ગણાતા કડાણા ડેમમાં આ ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નવા નીરની આવક નોંધાઈ છે. કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે હાલ ડેમમાં આશરે 10 હજાર ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 17 કલાકમાં ડેમના જળસ્તરમાં અંદાજે અડધો ફૂટનો વધારો નોંધાયો છે. હાલ કડાણા ડેમનું જળસ્તર 390.05 ફૂટ પર પહોંચી ગયું છે, જ્યારે ડેમની કુલ સપાટી 419 ફૂટ છે. હાલ કડાણા ડેમ 42.05 ટકા ભરાયો છે. આ ડેમમાંથી રાજ્યના નવ જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમમાં નવા નીરની આવક શરૂ થતાં રાજ્યના નવ જિલ્લાઓ માટે રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે.






Leave a comment