વિશ્વ મેન્ગ્રોવ દિવસની ઉજવણીના ભાગરૂપે અદાણી ગ્રુપ દ્વારા અદાણી હાઉસ, મુન્દ્રા ખાતે ‘મેન્ગ્રોવ જ્ઞાન સંમેલન–2026’ નું સફળ આયોજન કરવામાં આવ્યું. મેન્ગ્રોવ સંરક્ષણ, જૈવવિવિધતા, બ્લૂ કાર્બન, તટીય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક મહત્વના વિષયો પર વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડૉ. ધીરજ મિત્તલ (IFS), મુખ્ય વન સંરક્ષક, કચ્છ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શ્રી આયુષ વર્મા (IFS), નાયબ વન સંરક્ષક, કચ્છ વિશિષ્ટ અતિથિ તરીકે જોડાયા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉ. વિજયકુમાર, ડાયરેક્ટર, ગાઇડ ઇન્સ્ટિટ્યૂટ, મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ, તેની જૈવવિવિધતા, દરિયાકાંઠાની સુરક્ષા, બ્લૂ કાર્બન અને ભાવિ પેઢી માટે મેન્ગ્રોવ સંરક્ષણના વૈજ્ઞાનિક મહત્વ અંગે વિસ્તૃત અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે મેન્ગ્રોવ માત્ર દરિયાકાંઠાના રક્ષક જ નથી, પરંતુ તેઓ અનેક જળચર પ્રજાતિઓના ઉછેરસ્થાન, પક્ષીઓના મહત્વપૂર્ણ આવાસ, કાર્બન સંગ્રહના અસરકારક સ્ત્રોત અને તટીય પરિસ્થિતિતંત્રના અભિન્ન અંગ છે. આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે મેન્ગ્રોવનું સંરક્ષણ અને સંવર્ધન સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે.
કાર્યક્રમ દરમિયાન મેન્ગ્રોવ આધારિત જ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને સંસ્થાઓ વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ સંચાલન માટે જાગૃતિ, સંવાદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
અદાણી ગ્રુપ દ્વારા દરિયાકાંઠાના પર્યાવરણ, જૈવવિવિધતા અને મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંવર્ધન માટે જ્ઞાન આધારિત પહેલ, સંશોધન, જનજાગૃતિ અને વિવિધ હિતધારકો સાથેના સહયોગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના સંમેલનો ઉદ્યોગ, સરકાર, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને સમાજ વચ્ચે રચનાત્મક સંવાદનું સશક્ત માધ્યમ બની પર્યાવરણ સંરક્ષણને નવી દિશા આપે છે.
કાર્યક્રમમાં અદાણી ગ્રુપ ના શ્રી રક્ષિત શાહ ,શ્રી સુજલ શાહ તેમજ વિવિધ વ્યવસાય એકમોના પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાતો, સંશોધકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મેન્ગ્રોવ જેવા અમૂલ્ય કુદરતી વારસાના સંરક્ષણ માટે સહિયારા પ્રયાસોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.






Leave a comment