– લીવર સાઇલેન્ટ રહે છે પણ ખતરો મોટો ઉત્પન કરી શકે:સમયસર તપાસ ને સારવાર જરૂરી
દર વર્ષે ૨૮ જુલાઈએ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે.હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો. જો સમયસર સારવાર ન થાય તો લીવર સિરોસિસ અને લીવર કેન્સર થઈ શકે છે.હિપેટાઇટિસ એ અને ઈ વરસાદની ઋતુમાં અને દૂષિત પાણી તેમજ દૂષિત ખોરાકને કારણે થાય છે.
વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિતે અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફે.ડો.કશ્યપ બુચના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં હિપેટાઇટિસને ‘સાઇલેન્ટ કિલર’ કહેવાય છે. એના માટે દરેકે તપાસ કરાવવી અને રસી લેવી જરૂરી છે.કારણ કે આ સમસ્યા એવી છે કે, શરૂઆતમાં લક્ષણો દેખાતા ન હોવાથી ૯૦ ટકા લોકોને તો ખબર પણ નથી હોતી કે, તેમને હિપેટાઇટિસ છે.
હિપેટાઇટિસના પ્રકાર અંગે તબીબોએ જણાવ્યું કે, હિપેટાઇટિસના એ બી સી ડી અને ઇ એમ જુદા જુદા પ્રકારો છે. એ અને ઈ મુખ્ય રીતે દૂષિત પાણી અને દૂષિત ભોજનથી થાય છે.જે ઠીક થઈ શકે છે.પરંતુ ગર્ભવતી મહિલાઓએ સાંભળવું ખૂબ જરૂરી છે. જ્યારે બી સી અને ડી રક્ત, અસુરક્ષિત યૌન સંબંધ અને સંક્રમિત સોય અને સંક્રમિત રક્ત ચડાવવાથી પણ થાય છે. હિપેટાઇટિસ એ અટકાવવા ફૂડ હેન્ડલરે હાથ સાબુથી ધોઈ જ પીરસાય તેવી આગ્રહ રાખવો.
લક્ષણો અંગે ડો. બુચે કહ્યું કે,શરૂઆતમાં લક્ષણો દેખાતા નથી.પરંતુ સંક્રમણ વધવાથી કમળો,થાક, ભૂખ ન લાગવી, પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો, આંખો અને ત્વચા પીળી પડવી, ઘાટા રંગનો પેશાબ આવવો,સાંધા દુખવા,તાવ આવે જેવા ચિહ્નો જણાય તો તુરત તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી. રક્ત પરીક્ષણથી બીમારીનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.જો નિદાન કે સારવાર ન થાય તો ગંભીર બીમારી થઈ શકે.
રોગ થાય એ પહેલાં જ જો બચાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાય તો રોગને રોકી શકાય જેમકે, ભોજન બનાવવાથી પહેલાં અને જમવાથી પહેલા હાથ સાબુથી ધોવા, મળ,મૂત્ર કે લાળ વાળા હાથ બરોબર ધોવા,સ્વચ્છ અને સાદુ ભોજન લેવું,નશીલી દવાઓથી દૂર રહેવું અને આ બીમારીની જલ્દી ઓળખ અને સમયસર ઉપચાર જ બચાવની પ્રથમ શરત છે.રસી પણ લેવી આવશ્યક છે. હિપેટાઇટિસ બી ના ત્રણ ડોઝની રસી બાળકોને જન્મથી જ આપવામાં આવે છે.





Leave a comment