બામણબોર નજીકથી ગઇકાલે રાત્રે એસઓજીએ ૧૪.૪૮૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે વનરાજ ઉર્ફે ટકો રવજી ઉર્ફ સવજી હાંડા (ઉ.વ.૨૧, રહે. આરએમસી ક્વાર્ટર, બાલાજી હોલની પાછળ) અને એક સગીરને ઝડપી લીધો હતો. ગાંજો મંગાવનાર તરીકે નાનામવા વિસ્તારમાં રહેતા હિતેશ ગોહેલનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરાઇ છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી પીઆઇ એન.બી.ચૌધરીએ સ્ટાફના માણસો સાથે બામણબોર પાસે વોચ ગોઠવી કાળા કલરના થેલા સાથે નિકળેલા બંને આરોપીઓને અટકાવી તલાશી લેતા થેલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂા.૭.૨૪ લાખ ગણી હતી. મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો.
એસઓજીને તપાસ કરતા જાણવા મળ્યું કે, હિતેશ ગોહેલે બંને આરોપીઓને રૂા.૨૦ હજારમાં ઓરિસ્સાથી ગાંજો લઇ આવવાનું કામ સોંપ્યું હતું. એડવાન્સ પેટે અઢીથી ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. બંને આરોપીઓ ઓરિસ્સાના કાનાબાંધી રેલવે સ્ટેશનેથી રાધે નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લઇ ટ્રેનમાં વડોદરા સુધી આવ્યા હતા. જ્યાંથી એસટી બસમાં બેસી બામણબોર ઉતરી ગયા હતા.
એસઓજીના સુત્રોએ જણાવ્યું કે, ગાંજો મંગાવનાર હિતેશ ૨૦૨૩માં પણ ગાંજા સાથે પકડાયો હતો. તેનો ભાઇ ભોલો ગાંજાના કેસમાં હાલ જેલમાં બંધ છે. ઝડપાયેલો આરોપી વનરાજ કેટરર્સનું કામ કરે છે. હિતેશ ભાગી જતાં તેની શોધખોળ શરૂ કરાઇ છે. આ ઉપરાંત સપ્લાયર ઓરિસ્સાના રાધેને ઝડપી લેવા પણ પ્રયાસો થઇ રહ્યા છે.
ઓરિસ્સાથી સવા સાત લાખનો ગાંજો લઇ આવેલા બે આરોપી ઝડપાયા





Leave a comment