નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત, 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપશે

કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત કરી. દેશભરમાંથી 48 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, આદર્શ આદિવાસી સ્કૂલ અને પીએમ શ્રી સ્કૂલો સહિત અનેક સંસ્થાઓના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

48 શાળાના શિક્ષકોમાંથી 26 પુરુષ અને 22 મહિલા શિક્ષકો છે. ઉત્તર પ્રદેશમાંથી ત્રણ, બિહાર અને એમપીમાંથી બે-બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 સપ્ટેમ્બરે શિક્ષકોને આ પુરસ્કાર આપશે. 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે પસંદ કરાયેલા 48 શાળા શિક્ષકો 27 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 6 સંગઠનોમાંથી છે. તેમાં 26 પુરુષો અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે.

પસંદ કરાયેલા શિક્ષકોમાં આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાંથી જે પ્રકાશ રાવ, આંધ્ર પ્રદેશમાંથી રાજેશ કૌલુરી, અરુણાચલ પ્રદેશમાંથી યાકુ તામે, આસામમાંથી રાજેશ બોરદોલોઈ, દિલ્હીમાંથી સુમન ગોયલ અને આદિજાતિ બાબતોના મંત્રાલયની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી ઝફર આલમનો સમાવેશ થાય છે.

ગોવાથી મહાદેવ હનમંત શિંદે, ગુજરાતમાંથી નિતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક, હરિયાણામાંથી અનિલ કૌશિક, હિમાચલ પ્રદેશમાંથી મંજરી વી મહાજન, જમ્મુ-કાશ્મીરમાંથી મોહમ્મદ અયાઝ રૈના અને મધ્ય પ્રદેશમાંથી અર્ચના શુક્લાને પણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, લદ્દાખ અને અન્ય પ્રદેશોના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

મંત્રાલય અનુસાર, 48 શિક્ષકોની પસંદગી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ત્રણ તબક્કામાં કરી છે. આ પ્રક્રિયા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પૂર્ણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારોનો ઉદ્દેશ્ય દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના વિશેષ યોગદાનને સામે લાવવાનો છે. આ સાથે, તે શિક્ષકોને સન્માનિત કરવાના છે, જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને મહેનતથી શાળા શિક્ષણની ગુણવત્તા સુધારી અને વિદ્યાર્થીઓનું જીવન સમૃદ્ધ બનાવ્યું.

પીએમ મોદીએ 2024માં નેશનલ ટીચર્સ એવોર્ડ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે 82 શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તમિલનાડુથી આવેલી એક શિક્ષિકાએ જણાવ્યું કે, તેમના વિસ્તારમાં ઘણા લોકો સ્થાનિક ભાષામાં ભણવા માંગે છે. આના પર પીએમએ કહ્યું- આપણામાં તો એ જ ભ્રમ છે કે તમિલનાડુમાં બધા અંગ્રેજી જાણતા હશે. એટલા માટે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પીએમ મોદીએ ગયા વર્ષે ટીચર્સ ડેના એક દિવસ પહેલા દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર 45 શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. મોદીએ લગભગ 35 મિનિટ સુધી સંબોધન કર્યું. આ દરમિયાન પીએમએ GSTમાં સુધારા, ઓનલાઈન ગેમિંગ સંબંધિત કાયદા અને આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરી.

નેશનલ ટીચર્સ એવોર્ડની શરૂઆત 1958માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ અને સમર્પિત શિક્ષકોને સાર્વજનિક રીતે સન્માન આપવાનો અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના યોગદાનને ઓળખવાનો હતો.

Leave a comment

Trending