ગેઇમ્સ બ્લડબેંક દ્વારા વીતેલા ઓગસ્ટમાં ૮૧૫ યુનિટ બ્લડ રક્તદાતાઓએ આપ્યું

તહેવાર  અને મેળાની મોસમ દરમિયાન પણ દર્દીઓની સારવાર માટે રક્તની જરૂરિયાત સંતોષવી સામાન્ય દિવસો જેટલી જ જરૂરી હોવાથી કચ્છના રક્તદાતાઓને આ શ્રાવણ ભાદરવા જેવા સપ્ટેમ્બર માસમાં પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે.જનરલ હોસ્પિટલની બ્લડબેંકના તબીબો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

બ્લડબેંકના હેડ ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાય અને ટ્રાન્સફ્યુઝન મેડિસિનના આસિ.પ્રોફે. ડો.સુમનબેન ખોજાએ કહ્યું કે, મેળા અને તહેવારની મોસમ લોકો ભલે આનંદ ઉત્સાહથી  માણે પરંતુ તે વચ્ચે પણ  રક્તદાન કરીને જરૂરિયાતમંદ માનવીનું  જીવન બચાવીને ખુશીનો  સંચાર કરવો એ પણ એક સેવાનું કામ છે.

દરમિયાન વીતેલા ઓગસ્ટ માસમાં હોસ્પિટલની બ્લડબેંક દ્વારા કચ્છમાં જુદા જુદા ૬ જેટલા સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરી ૪૪૧ યુનિટ અને સ્થાનિક ઇન હાઉસ અંતર્ગત ૩૭૪ બેગ્સ રક્તદાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ ગત માસમાં કુલ ૮૧૫ યુનિટ રક્તદાતાઓના સહકારથી એકત્રિત થઈ શક્યું હતું.

બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યા મુજબ ઓગસ્ટ માસ દરમિયાન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, પ્રજાપતિ વિશ્વ વિધાલય દ્વારા સી.એચ.સી.માંડવી ખાતે, લાયન્સ હોસ્પિટલ ભુજ અને પ્રજાપતિ બ્રહ્માકુમારી ભુજ, ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, રોટરી ક્લબ ઓફ વોલસિટી ભુજ અને મોડાસર યુવા ગ્રૂપે પ્રોત્સાહ જનક સહકાર આપી રક્તદાન કર્યું હતું.

અકસ્માતના દર્દીઓ, પ્રસુતિ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થતો હોય તેવી મહિલાઓ, સર્જરી, ઇમરજન્સી, થેલેસેમીયા સહિત વિવિધ રક્ત સંબંધી બીમારી ધરાવતા દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ હોવું આવશ્યક છે.

Leave a comment

Trending