પૂર્વ કચ્છ SOGની ટીમે આદિપુરમાંથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
આદિપુરમાં તોલાણી કોલેજ પાછળ આવેલી મીડ ટાઉન હોટલ પાસેથી પોલીસે શિણાયના રહેવાસી હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોકલાણી (ઉંમર 26) ને પકડ્યો હતો. તેની પાસેથી એક્સેસ સ્કૂટર પણ જપ્ત કરાયું હતું.
સ્કૂટરની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર કોડેઈન સિરપની 36 બોટલ (કિંમત 42,354 રૂપિયા) મળી આવી હતી. આ ઉપરાંત, ટ્રામાડોલ અને નિટ્રાઝેપમ ટેબલેટ-કેપ્સ્યુલના 532 નંગ (કિંમત 10,98,560 રૂપિયા) પણ જપ્ત કરાયા હતા.
પોલીસે નશીલા દ્રવ્યો સાથે એક મોબાઈલ ફોન, 2,100 રૂપિયા રોકડા અને સ્કૂટર સહિત કુલ 11,98,014 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. SOG ટીમે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોર્ડર રેન્જ આઈજી ચીરાગ કોરાડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ SOGની ટીમ દ્વારા કચ્છમાં ડ્રગ્સ વેચતા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ ચલાવવામાં આવી રહ્યું છે.





Leave a comment