દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે ગઈકાલે (10 નવેમ્બર) કારમાં શક્તિશાળી વિસ્ફોટની ઘટનાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. ચીન, રશિયા, અમેરિકા, શ્રીલંકા, માલદીવ અને સિંગાપોર સહિતના અનેક દેશોએ આ ઘટનાની નિંદા કરી છે અને પીડિતો પ્રત્યે સંવેદના પાઠવી છે.
ચીને દિલ્હી વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મંગળવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ચીને દિલ્હીમાં વિસ્ફોટની ઘટના સંબંધિત અહેવાલોની નોંધ લીધી છે. ઉપલબ્ધ માહિતી મુજબ કોઈ ચીની જાનહાનિ થઈ નથી. ચીન આ ઘટનાથી સ્તબ્ધ છે, પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરે છે, મૃતકોના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી સંવેદના છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.’
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક્સ પર લખ્યું છે કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સ્તબ્ધ છું. વિશ્વાસ છે કે, ચાલી રહેલી સઘન તપાસથી ઘટનાના કારણો જાણી શકાશે. અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.’
અમેરિકાના વિદેશ વિભાગે એક્સ પર લખ્યું છે કે, ‘આ ઘટના દુઃખદ છે. અમારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અમે ઘાયલોના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જરૂર પડ્યે મદદ કરવા માટે પણ અમે તૈયાર છીએ.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું કે, ‘દિલ્હીમાં થયેલા વિસ્ફોટના સમાચારથી ઘણું દુઃખ થયું. શ્રીલંકા ભારતના લોકો સાથે એકતાથી ઊભું છે. અમારી સંવેદનાઓ તમામ પીડિતો સાથે છે.’ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ પણ શોક વ્યક્ત કરી કહ્યું કે, ‘અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સાજા થવાની કામના કરીએ છીએ. માલદીવ આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો અને સરકારની સાથે ઊભું છે.’






Leave a comment