વિશ્વ સમસ્તમાં ૨૫ એપ્રિલના દિવસે મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આજે પણ દુનિયામાં લાખો કેસ મલેરિયાના નોંધાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મેલેરિયાને ખુબજ ગંભીરતાથી લે છે. અને તેના નિવારણ માટે પગલાં ભરી ચોક્કસ થીમ મારફતે લોકોને જાગૃત કરે છે. મલેરિયાના નિવારણ માટે જાગૃતિ અને સંયુક્ત પ્રયાસો જ સચોટ હથિયાર છે. WHOએ આ વર્ષે થીમ આપી છે કે, “મલેરિયા નાબૂદી માટે પ્રતિબધ્ધ છીએ અને તેમ કરી શકીએ છીએ”.
અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફે.ડો. નીરવ નિમાવતના જણાવ્યા અનુસાર વિશ્વ સાથે ભારત પણ મેલેરરિયાને નબળું પાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. અને તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. વૈશ્વિક કક્ષાએ આ પ્રયાસોની ભારતની નોંધ પણ લેવાઈ સાથે પ્રસંશા પણ કરવામાં આવી છે. આ જ તર્જ ઉપર ભારત ૨૦૩૦ સુધીમાં મલેરિયા નિર્મૂલનની દિશામાં આગળ વધી રહ્યું છે.
મેલેરિયાને કારણે સખત તાવ આવે છે. આ તાવ માટે સંક્રમિત માદા એનોફીલીશ મચ્છર જવાબદાર છે. આ માદા સ્વચ્છ પાણીમાં જ ઈંડા મૂકે છે. માટે આવા મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ પાણી જમા થવા ના દેવું, કૂલર સાફ રાખવું વિગેરે શ્રેષ્ઠ ઉપાય છે.
મોટા ભાગે ભારતમાં બે પ્રકારના મેલેરિયાના તાવ છે. એક પ્લાઝમોડિયમ વાયવેક્સ અને બીજો પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ છે. મચ્છર જ્યારે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિને કરડે છે, ત્યારે તેના ખૂનમાંથી પ્લાઝમોડિયમ ખેંચી લે છે. જે ૮-૧૦ દિવસ સુધી રહે છે અને પછી મેલેરિયા ફેલાવા માટે સક્ષમ બની જાય છે. જ્યારે મચ્છર માનવીને કરડે છે, ત્યારે આ તાવ ફેલાય છે. આમ જો તાવ આવે તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચી તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી આવશ્યક છે.
પરંતુ મચ્છર કરડે જ નહીં તે માટે સાવધાની અંગે તબીબોના જણાવ્યા મુજબ ઘરની પાણીની ટાંકી ઢાંકીને રાખવી, પાણીની લાઇનની સફાઈ, ઘરની આસપાસ કે કોઈ જગ્યાએ ખાલી નાળિયેર રાખવા નહીં. મચ્છર સામાન્ય રીતે હાથ અને પગમાં કરડે છે. સાવચેતી માટે હાથ પગ ઢાંકે તેવા શર્ટ અને પેન્ટ પહેરવા ખાસ તો સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો ખુબજ હિતાવહ છે.






Leave a comment