– માં એ છે જે દરેકનું સ્થાન લઈ શકે પણે માતાનું સ્થાન કોઈ જ ના લઈ શકે
સલામત માતૃત્વ ફક્ત માતા બનવું અને માતા તથા બાળક શારીરિક રીતે સુરક્ષિત રહે એ સાથે માતા માનસિક રીતે પણ તંદુરસ્ત રહે એ પણ એટલું જ આવશ્યક છે,એમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોએ કહ્યું હતું.
તબીબોએ ભારતમાં દર વર્ષે ૧૧ એપ્રિલના રોજ ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ નિમિતે સ્ત્રીરોગ વિભાગના હેડ ડૉ. પ્રફુલ્લાબેન કોટક અને ચાર્મી પાવાણીએ જણાવ્યું કે,આ દિવસ ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ પૂર્વે અને પછી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ અને સાર સંભાળ આપવા પ્રત્યે જાગૃત બની માતાઓને સુરક્ષિતતા બક્ષવા માટે મનાવવામાં આવે છે, કેમકે માતા એ છે જે દરેકનું સ્થાન લઈ શકે છે,પણ તેનું સ્થાન કોઈ લઈ શકતું નથી.
માતાઓની સુરક્ષા સલામત ગર્ભાવસ્થા સાથે જોડાયેલી છે માટે તબીબોએ સલામતી માટે સલાહ આપતા જણાવ્યું કે,પ્રથમ તો ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર્સ દ્વારા સૂચવ્યા સિવાય કોઈ દવા લેવી નહીં તેમજ ધુમ્રપાન દારૂ કે કોઈપણ વ્યસનથી દૂર રહેવું જરૂરી છે.
આ ઉપરાંત તેમણે સ્વાસ્થ્ય આહાર જેમકે આખું અનાજ, ફળ, શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો તેમજ ગર્ભાવસ્થાની તબીબી સમસ્યાનું વહેલું નિદાન કરવા નિયમિત આરોગ્ય તપાસ કરાવવી. તપાસ દરમિયાન કોઈ જોખમી ચિહ્ન જણાય તો તબીબોના સંપર્કમાં રહેવું જેથી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાય. ઉપરાંત તબીબોની સૂચના મુજબ સપ્લીમેન્ટ જેમ કે આયર્ન, કેલ્શિયમ, ફોલીક એસીડ વગેરે લેવા સાથે હળવી કસરત સાથે સક્રિય રહેવું જે ગર્ભવસ્થા અને બાળ જન્મના જોખમો ઘટાડવામાં મદદ કરે છે.એમ ડો.ધર્મી વેલાણીએ કહ્યું હતું.
સલામત માતૃત્વ માટે શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે મનોચિકિત્સક ડો.રિધ્ધિબેન ઠક્કરે કહ્યું કે,પ્રથમ તો માતાએ ખુશ રહેવું જોઈએ કારણકે માતા પોતાની સાથે એક જીવનો પણ ઉછેર કરે છે ત્યારે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે.પણ એ ખુશી દબાણપૂર્વકની ના હોવી જોઈએ.તેવામાં જો માતા સહજપણે ખુશ ના રહે તો કાઉન્સેલિંગ લેવું જોઈએ.સૌથી વિશેષ તો માતાઓને પારિવારિક અને સામાજિક સમર્થન મળે તો અનેક સમસ્યા ઓછી થઈ જાય છે.






Leave a comment