કચ્છમાં પારો 43 ડિગ્રીને પણ વટાવી શકે તેવી આગાહી

કચ્છમાં અત્યારે એક તરફ ચૂંટણીનો ગરમાવો છે તો બીજી તરફ કુદરતી ગરમી પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છના તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. શુક્રવારે ભુજમાં 41.4 ડિગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 42 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો રીતસરના ગરમીમાં શેકાયા હતા. આવતીકાલે રવિવારે જ્યારે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે જ કુદરતનો પ્રકોપ વધવાની આગાહી ચિંતાનો વિષય બની છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ કપરી રહેશે. કંડલા પોર્ટમાં 37.4 અને નલિયા 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું હોવા છતાં, દરિયાઈ ભેજને કારણે લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ (ગરમ અને ભેજવાળી) હવા રહેવાની શક્યતા છે, જે સ્વાસ્થ્ય માટે પણ પડકારજનક બની શકે છે. જોકે, આ આકરી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ આકરી ગરમીની સીધી અસર મતદાન મથકો પર જોવા મળી શકે છે. બપોરના સમયે તાપમાન વધવાના કારણે મતદારો વહેલી સવારે અથવા મોડી સાંજે મતદાન કરવાનું પસંદ કરે તેવી શક્યતા છે.

બોક્ષ; 01 હીટવેવ માટે આરોગ્ય વિભાગે જારી કરી એડવાઈઝરી

કચ્છમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ (ગરમી) થી બચવા માટેની વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આકરી ગરમીમાં હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય તે માટે તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવા જણાવાયું છે. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, છાશ, લીંબુ શરબત કે તાજું શરબત પીતા રહેવું. બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, તેથી આ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો બહાર નીકળવું અનિવાર્ય હોય, તો માથા પર ટોપી, રૂમાલ, દુપટ્ટો અથવા છત્રીનો અચૂક ઉપયોગ કરવો.

ગરમીમાં શરીરને ઠંડક મળે તેવા ઢીલા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ઘરમાં ઠંડક જળવાઈ રહે તે માટે પંખા, કુલર અથવા એસીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો. ખાસ કરીને નવજાત શિશુઓ, નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગરમીના કારણે ચક્કર આવવા, ઉલટી થવી કે અશક્તિ જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a comment

Trending