ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપ્યા છે.
પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ દ્વારા મુખ્યત્વે અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેશે નહીં.
નવી સૂચનાઓ મુજબ પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થવા માટે બોલાવી શકાશે નહીં. પોલીસને અરજદારને રૂબરૂ મળવાની કે તેમની સહી લેવાની પણ જરૂર રહેશે નહીં.
કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત હોય તો જ અપવાદરૂપ સંજોગોમાં અરજદારના રહેઠાણની મુલાકાત લઈ શકાશે. જોકે આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર રહેશે નહીં.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. આ નિર્ણયથી પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં નાગરિકોને બિનજરૂરી દોડધામમાંથી રાહત મળશે અને પ્રક્રિયા વધુ સુગમ બનશે.






Leave a comment