ચોમાસા દરમિયાન કચ્છના રેલ માર્ગો પર સુરક્ષિત અને અવરોધરહિત ટ્રેન સંચાલન જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદ ખાતે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગાંધીધામ સહિતના વિસ્તારોમાં કરાયેલી તૈયારીની સમીક્ષા કરાઈ હતી.
ચોમાસા દરમિયાન કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે ગાંધીધામ ખાતે 20 વેગન બેલાસ્ટ અને 10 વેગન ક્વારી ડસ્ટનો અનામત જથ્થો ઉપલબ્ધ રખાયો છે. ઉપરાંત ધ્રાંગધ્રા, માળીયા અને આદરજ-મોટી સહિતના સ્થળોએ પણ જરૂરી સામગ્રીનો જથ્થો તૈયાર છે.
અમદાવાદ મંડળ દ્વારા અત્યાર સુધીમાં 132 કિલોમીટર સાઇડ ડ્રેનોની સફાઈ, 190 સ્થળોએ વૃક્ષોની કાપણી, 260 હાઈ-કેપેસિટી પંપની સ્થાપના, 675 કિલોમીટર વિસ્તારમાં ફ્લેન્જ ક્લિયરન્સ અને 37 સંપ તૈયાર કરાયા છે.
મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ચોમાસા દરમિયાન ગાંધીધામ સહિત સમગ્ર અમદાવાદ મંડળમાં રેલ સંચાલન સલામત અને અવરોધરહિત રહે તે માટે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે.
રેલવે ટ્રેક, પુલો, કલવર્ટ અને ડ્રેનેજ સિસ્ટમનું ચોમાસા પૂર્વે નિરીક્ષણ અને જાળવણી પણ પૂર્ણ કરાઈ છે. પુલો પર 24 કલાક દેખરેખ રાખવા, જરૂર પડે ત્યાં કૉશન ઓર્ડર લાગુ કરવા તેમજ સ્ટેશન યાર્ડમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. રેલવેને અસર કરી શકે તેવા જળાશયો પર સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતો સાથે સતત સમન્વય રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.





Leave a comment