અયોધ્યામાં બનનારી મસ્જિદને દાન ન મળ્યું: નિર્માણનું કદ ઘટાડાયું, હોસ્પિટલ-લાઈબ્રેરીના પ્લાન રદ

અયોધ્યાના દાયકાઓ જૂના વિવાદ પર ભારતની સુપ્રીમ કોર્ટે વર્ષ 2019માં આપેલા ઐતિહાસિક ચુકાદાના ભાગરૂપે પ્રસ્તાવિત મસ્જિદ પ્રોજેક્ટના કદમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રચાયેલા ટ્રસ્ટ ‘ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન’ (IICF) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ફંડની ભારે અછત અને મુસ્લિમ સમુદાય તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે મૂળ ભવ્ય યોજનાને ટૂંકાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 5 એકર જમીન પર અગાઉ નક્કી કરાયેલા તમામ મોટા પ્રોજેક્ટ્સ હવે બંધ કરી દેવાયા છે.

IICF ના ચેરમેન ઝુફર અહમદ ફારુકીએ પ્રોજેક્ટના કદમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ ફંડનો અભાવ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મસ્જિદ નિર્માણના આ પ્રોજેક્ટમાં સમુદાય તરફથી ચોક્કસપણે ઉદાસીનતા જોવા મળી રહી છે અને અત્યાર સુધી મળેલું દાન બિલકુલ પૂરતું નથી. આથી જ અમારે અગાઉ પ્રસ્તાવિત ભવ્ય મસ્જિદના બદલે ઘણી નાની મસ્જિદ બનાવવાનું આયોજન કરવું પડ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, ફાઉન્ડેશને શરૂઆતમાં આ 5 એકરના વિશાળ પ્લોટ પર માત્ર એક મસ્જિદ જ નહીં, પરંતુ માનવતાના કલ્યાણ માટે 300 બેડની અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, એક વિશાળ સામુદાયિક રસોડું (કોમ્યુનિટી કિચન) અને એક ભવ્ય લાઇબ્રેરી (પુસ્તકાલય) બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ આખો પ્રોજેક્ટ સમુદાયના દાનથી જ પૂર્ણ કરવાનો હતો. પરંતુ આર્થિક પીઠબળ ન મળતાં ટ્રસ્ટે આ તમામ લોકકલ્યાણકારી યોજનાઓ સત્તાવાર રીતે પડતી મૂકી છે.

ફાઉન્ડેશનના સેક્રેટરી અથર હુસૈને આર્થિક આંકડાઓ શેર કરતા જણાવ્યું કે, હવે જે “નાની મસ્જિદ” બનાવવાનું નવું આયોજન છે, તેના માટે પણ અંદાજે ત્રણથી પાંચ કરોડ રૂપિયાના બજેટની જરૂર પડશે. જેની સામે અત્યાર સુધીમાં દાન સ્વરૂપે માત્ર દોઢ કરોડ રૂપિયા જ એકત્ર થઈ શક્યા છે. આમ, આર્થિક મર્યાદાઓ અને જમીનની સરખામણીમાં ફંડની ભારે તંગીને કારણે અયોધ્યા મસ્જિદ પ્રોજેક્ટને મૂળ કદ કરતાં અનેક ગણો નાનો કરી દેવાની ટ્રસ્ટને ફરજ પડી છે.

Leave a comment

Trending