ખાણી-પીણી અને બદલાયેલી જીવનશૈલીને કારણે હવે ચોટ લાગવાથી કે, માંસપેશીઓમાં થતા દર્દને કારણે હાડકાના વધેલા રોગમાં રાહત મેળવવા ફિઝીઓથેરાપી ઘણીવાર દવા કરતાં પણ વધુ રાહત આપે છે. આ થેરાપીમાં કસરત, ઇલેક્ટ્રોથેરાપી વધુ કારગર સાબિત થાય છે, ઉપરાંત આ થેરાપી હાડકા અને માંસપેશીઓ સાથે ન્યુરોલોજિકલ સમસ્યાનું પણ સમાધાન આપે છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના ફિઝીઓથેરાપિસ્ટ દ્વારા જણાવાયું હતું.
ફિઝીઓથેરાપિસ્ટના જણાવ્યા મુજબ માંસપેશી સંબંધી દર્દો જેવાકે, કમરના દર્દ, ગરદનનો દુખાવો, શરીરની જકડન, સાંધાની તકલીફ, પગમાં પીડા વિગેરેમાં રાહત આપે છે. ફિઝીઓથેરાપી મેડિકલ સાયન્સનો હિસ્સો છે જે આધુનિક ટેકનિકથી દર્દનું નિર્મૂલન કરે છે. ફિઝીઓ કસરતનો જ એક ભાગ હોવાથી તેની કોઈ પ્રતિકૂળ અસર પણ નથી, એમ ફિઝીઓથેરાપિસ્ટ ડો.દિતી ઠક્કર અને ડો. શિવાની શાહે જણાવ્યું હતું.
ફિઝીઓથેરાપિસ્ટ ડો.પૂજા ગોર અને ડો. અદિતિબા ચુડાસમાના નિર્દેશ મુજબ હાડકા અને ન્યુરો સર્જરી બાદ દર્દીઓ જો નિયમિત ફિઝીઓ કરાવે તો, પુનઃ રોજ બરોજની કામગીરી કરી શકવા સક્ષમ બની જાય છે. આવી સર્જરીમાં મુખ્યત્વે જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને મગજની શસ્ત્રક્રિયા છે. આ ઉપરાંત સ્ટ્રોક, પર્કિસંસ, મલ્ટીપલ સ્ક્રેલોરોસિસ પીડિત દર્દીઓ માટે રાહત રૂપ છે.
આ પ્રકારની કસરત સગર્ભા માતાઓ અને બાળકો માટે પણ એટલીજ કારગર પુરવાર થઈ છે. પ્રસુતિ બાદ અને પહેલાં પણ ફિઝીઓથેરાપી થઈ શકે છે. બાળકોની કસરત અંગે વાત કરીએ તો, જન્મજાત વિકાર, સેરિબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રાફી, ડાઉન સિન્ડ્રોમમાંથી પણ મુક્તિ મળી શકે છે. આ ઉપચારની વિશિષ્ટતા અંગે તજજ્ઞોના જણાવ્યા મુજબ, આ થેરાપી રોગના કારણને મૂળ સુધી સમજે છે જેથી ફાયદો થાય છે.
જી.કે. જનરલમાં આઉટ ડોર અને ઈન ડોર (દાખલ દર્દી) દર્દીઓ મળીને પ્રતિમાસે સરેરાશ ૧૩૦ની આસપાસ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. હાડકાના વોર્ડમાં, મેડિસીન વૉર્ડમાં લકવાગ્રસ્ત દર્દીઓ, ટી.બી.ના દર્દીઓ, સર્જીકલ તેમજ બાળકોના આઇ.સી.યુ અને એન.આઇ.સી.યુ.માં ફિઝીઓથેરાપિસ્ટ નિયમિત મુલાકાત લઈ ઉપચાર કરે છે. માટે જ ખુદ તબીબો દર્દ ઓછું કરવા ફિઝીઓથેરાપિની સલાહ આપે છે.






Leave a comment