જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા ચીફ જસ્ટિસ બની ગયા છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે. 64 વર્ષીય જસ્ટિસ ખન્ના 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદા લખ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ લગભગ 275 બેન્ચમાં સામેલ રહ્યા છે.
જસ્ટિસ સંજીવના કાકા જસ્ટિસ હંસરાજ ખન્ના પણ સુપ્રીમ કોર્ટમાં જજ હતા. જોકે સિનિયર હોવા છતાં ઈન્દિરા સરકારની ઈમર્જન્સીના વિરોધને કારણે તેમને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા નહોતા.
તેમની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગને CJI બનાવવામાં આવ્યા હતા. આના વિરોધમાં જસ્ટિસ હંસરાજે સુપ્રીમ કોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું હતું.
સંજીવ ખન્નાનો વારસો વકીલાતનો રહ્યો છે. તેમના પિતા દેવરાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે, જ્યારે કાકા હંસરાજ ખન્ના સુપ્રીમ કોર્ટના જાણીતા જજ હતા. તેમણે ઈન્દિરા સરકાર દ્વારા ઈમર્જન્સી લાદવાનો વિરોધ કર્યો હતો. તેમણે રાજકીય વિરોધીઓને ટ્રાયલ વિના જેલમાં ધકેલી દેવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
1977માં એવું માનવામાં આવતું હતું કે તેઓ વરિષ્ઠતાના આધારે ચીફ જસ્ટિસ બનશે, પરંતુ જસ્ટિસ એમએચ બેગને CJI બનાવવામાં આવ્યા, જેના વિરોધમાં તેમણે સુપ્રીમ કોર્ટમાંથી રાજીનામું આપી દીધું હતું. ઈન્દિરાની સરકાર ગયા બાદ તેઓ ચૌધરી ચરણ સિંહની સરકારમાં 3 દિવસ માટે કાયદામંત્રી પણ બન્યા હતા.
જસ્ટિસ સંજીવ તેમના કાકાથી પ્રભાવિત હતા, તેથી તેમણે 1983માં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો. દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. એ પછી તેઓ આવકવેરા વિભાગ અને દિલ્હી સરકારના નાગરિક બાબતોના સ્ટેન્ડિંગ કાઉન્સેલ પણ હતા. સામાન્ય ભાષામાં સ્ટેન્ડિંગ કાઉન્સેલ એટલે સરકારી વકીલ.
2005માં જસ્ટિસ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા, જ્યાં તેમણે 13 વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. 2019માં જસ્ટિસ ખન્નાને બઢતી આપીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા, જોકે તેમનું પ્રમોશન પણ વિવાદાસ્પદ રહ્યું હતું.
ખરેખરમાં 2019માં જ્યારે CJI રંજન ગોગોઈએ તેમના નામની ભલામણ કરી ત્યારે જસ્ટિસ ખન્ના સિનિયોરિટીમાં 33મા નંબર પર હતા. જસ્ટિસ ગોગોઈએ તેમને સુપ્રીમ કોર્ટ માટે વધુ સક્ષમ માનીને તેમને બઢતી આપી હતી.
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કૈલાસ ગંભીરે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની નિમણૂક વિરુદ્ધ પત્ર પણ લખ્યો હતો. જસ્ટિસ કૈલાસે લખ્યું- 32 જજની અવગણના કરવી એ ઐતિહાસિક ભૂલ હશે.
આ વિરોધ છતાં રાષ્ટ્રપતિ કોવિંદે જસ્ટિસ ખન્નાની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂક કરી હતી. સંજીવે 18 જાન્યુઆરી 2019ના રોજ પદ સંભાળ્યું હતું.






Leave a comment