સ્કિઝોફ્રેનિયા એક ગંભીર પરંતુ સારવારથી નિયંત્રિત થઈ શકતી માનસિક બીમારી છે. ૨૪મી મે વિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતિ દિવસના અવસરે સમાજમાં આ બીમારી અંગે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે આજે પણ ઘણા લોકો અજ્ઞાનતા, ભ્રમ અને અંધશ્રદ્ધાના કારણે યોગ્ય સારવાર સુધી પહોંચી શકતા નથી.જો કે કચ્છમાં આ રોગ અંગે ક્રમશઃ જાગૃતિ આવી રહી છે અને અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ફોલો અપ સાથે પ્રતિ માસ ૫૦૦ જેટલા સરેરાશ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના હેડ ડૉ.રિધ્ધિબેન ઠક્કરના જણાવ્યા મુજબ સ્કિઝોફ્રેનિયા સામાન્ય રીતે યુવાવસ્થામાં શરૂ થતી બીમારી છે, જેમાં વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે. દર્દીને એવું લાગે છે કે કોઈ તેની પાછળ પડી ગયું છે, લોકો તેના વિશે વાત કરે છે, અજાણ્યા અવાજો સંભળાવા, શંકાશીલ સ્વભાવ, એકલતા ગમવી, અભ્યાસ કે કામમાં રસ ઓછો થવો જેવી લક્ષણો જોવા મળતા હોય છે.
ઘણા પરિવારો શરૂઆતમાં આ લક્ષણોને “જિદ્દ”, “આળસ”, “મોબાઇલનું વ્યસન” અથવા “જાદુ-ટોણા” સાથે જોડે છે, જેના કારણે સારવાર મોડેથી શરૂ કરે છે. હકીકતમાં સ્કિઝોફ્રેનિયા મગજની કાર્યપ્રણાલી સાથે જોડાયેલી એક વૈજ્ઞાનિક રીતે સ્વીકારાયેલી માનસિક બીમારી છે,એમ મનો ચિકિત્સક ડો.નીરવ ચાનપાએ જણાવ્યું હતું.
મનો ચિકિત્સક ડો.ખુશી ગણાત્રા અને ડો.યેશા કલ્યાણીએ કહ્યું કે,યોગ્ય દવાઓ, નિયમિત ફોલો-અપ, પરિવારનો સહકાર અને જરૂર પડે ત્યારે શેક સારવાર (ECT) દ્વારા દર્દી, સામાન્ય અને ગુણવત્તાસભર જીવન જીવી શકે છે. સમયસર સારવાર શરૂ થાય તો અભ્યાસ, નોકરી અને સામાજિક જીવનમાં પણ સુધારો શક્ય બને છે. અન્ય રોગની સારવારની જેમ આ માનસિક રોગની સારવાર પણ થાય છે.અને આમેય માનસિક બીમારીઓ અંગે કલંક નાબૂદી એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.
આ લક્ષણો દેખાય તો નિષ્ણાતની સલાહ લેવી:
વારંવાર શંકા થવી, ડર લાગવો, અજાણ્યા અવાજો સંભળાવા,એકલતા પસંદ કરવી, બોલચાલ અથવા વર્તનમાં વિસંગતતા,પોતાની સંભાળમાં ઘટાડો કે અભ્યાસમાં રસ ઓછો થવો આવા લક્ષણો જણાય તો મનો ચિકિત્સકની સલાહ લેવી જોઈએ તો વિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતિ દિવસનો હેતુ પર પડશે અને માનસિક આરોગ્ય ક્ષેત્રે સમાજ સંવેદનશીલ અને સમજદાર બનશે.





Leave a comment