જી. કે. જન. હોસ્પિ.ના પ્લાસ્ટિક સર્જરી વિભાગે એક વર્ષમાં ૧૦ જેટલી સર્જરી કરી

સમયસર સર્જરી દ્વારા હાથ અને પગની કાર્યક્ષમતા અને દેખાવમાં સુધારો થાય છે

બાળકોના હાથપગની જોડાયેલી આંગળીઓની જન્મજાત વિકૃતિ  સર્જરીથી દૂર કરી શકાય

બાળકો કે વયસ્કોમાં ક્યારેક જન્મજાત ખામી જોવા મળતી હોય છે, જેમાં કેટલાક બાળકો કે વયસ્કોના હાથ અથવા પગની બે અથવા બેથી વધુ આંગળીઓ પરસ્પર જોડાયેલી જોવા મળે છે. જેને તબીબી ભાષામાં સિન્ડેક્ટલી(syndactyly) કહેવામાં આવે છે. આ એક પ્રકારની જન્મજાત વિકૃતિ છે.જે હળવી પ્લાસ્ટિક સર્જરીથી પણ  સામાન્ય થઈ જાય છે.

અદાણી સંચાલિત GAIMS  જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં આવા ૮ થી ૧૦ બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં આવી સિન્ડેક્ટલીની સફળતાપૂર્વક સર્જરી કરી પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થયા છે.આવી સર્જરી બાળકોમાં ૬ થી ૧૮ મહિનાની ઉમર દરમિયાન કરવામાં આવે છે. જો અંગૂઠો અને નાની આંગળી જોડાયેલી હોય અથવા આંગળીના વિકાસમાં અવરોધ થવાની શક્યતા હોય તો સર્જરી ૬ માસમાં કરાવવી જરૂરી છે. મોટી વયની વ્યક્તિઓ પણ આ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવી શકે છે.

હોસ્પિટલના ટ્રોમા અને પ્લાસ્ટિક સર્જન ડો.મહાલક્ષ્મી પિલ્લાઈના જણાવ્યા મુજબ હાથ અને પગના આંગળામાં જુદા જુદા પ્રકારની વિકૃતિ જોવા મળે છે.જેમાં બે આંગળી માત્ર ત્વચાથી જોડાયેલી હોય છે.બીજા એક જટિલ પ્રકારમાં આંગળીઓ પરસ્પર હાડકાં અને નખથી જોડાયેલી હોય છે.

આવો વિકાર થવાના કારણ અંગે પ્લાસ્ટિક સર્જનના જણાવ્યા મુજબ ગર્ભાવસ્થાની પ્રારંભિક ૪થી ૮ સપ્તાહમાં જો ભ્રૂણના વિકાસમાં રુકાવટ આવે તો આ સ્થિતિનું નિર્માણ થાય છે.ઉપરાંત આ વિકૃતિ આનુવંશિક પણ હોય છે.આવી વિકૃતિ માટે “ચાલશે” જેવી માનસિકતા દૂર કરી ઓપરેશન કરાવી લેવું કેમકે આ ઓપરેશન હળવું અને જલ્દી સંપન્ન થાય છે.અને વ્યક્તિના દેખાવમાં પણ સુધારો થાય છે.

Leave a comment

Trending