કચ્છના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે, કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગ દ્વારા કેરા ગામ સ્થિત પ્રાચીન શિવ મંદિર ખાતે એક અનોખા લાઈવ સ્કેચિંગ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ અને દસ્તાવેજીકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ વિભાગના વિદ્યાર્થીઓએ આશરે ૧૦મીથી ૧૧મી સદી દરમિયાન નિર્માણ પામેલા કેરાના ઐતિહાસિક શિવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરના સ્થાપત્ય, શિલ્પકલા અને પ્રાચીન રચનાત્મક વિશેષતાઓને ઝીણવટપૂર્વક નિહાળી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્થળ પર જ બેસીને મંદિરનું લાઈવ સ્કેચિંગ કર્યું. આ પ્રવૃત્તિમાં મંદિરના મૂળ સ્વરૂપને કલાત્મક અભિવ્યક્તિ સાથે કાગળ પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર કલાકૃતિઓ સર્જવાનો નહોતો, પરંતુ ભવિષ્યમાં મંદિરના સંભવિત જીર્ણોદ્ધાર દરમિયાન ઉપયોગી બની શકે તેવું દૃશ્ય દસ્તાવેજીકરણ તૈયાર કરવાનો હતો. નિષ્ણાતોના મતે, આવા સ્કેચ સ્થાપત્યના મૂળ સ્વરૂપને સમજવામાં તેમજ સંરક્ષણ સંબંધિત કામગીરીમાં મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે.
કળા અને પુરાતત્વના સમન્વયથી તૈયાર થયેલા આ દસ્તાવેજો વારસાની જાળવણી માટે મૂલ્યવાન સંપત્તિ ગણાશે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્કેચ અને કલાકૃતિઓને ટૂંક સમયમાં કચ્છ મ્યુઝિયમના પ્રદર્શન હોલમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવશે.





Leave a comment