જિલ્લા ફેર હેઠળ બદલી પામેલા 145 પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવી, જે શિક્ષણ વિભાગમાં પારદર્શક વહીવટનું ઉદાહરણ પૂરું પાડે છે. અગાઉ શિક્ષકોને રિલીવિંગ ઓર્ડર, સેવાપોથી, લાસ્ટ પે સર્ટિફિકેટ (LPC) અને ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયા સહિતની કાર્યવાહી માટે અનેક વખત ધક્કા ખાવા પડતા હતા, જેનાથી સમયનો બગાડ થતો અને મુશ્કેલીઓ પડતી હતી.
આ વખતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પૂર્વ તૈયારી સાથે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ હતી.આ આયોજનના પરિણામે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા ફેર હેઠળ છૂટા થતા કુલ 145 શિક્ષકોની સેવાકીય પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ. આ કામગીરી દરમિયાન શિક્ષકોને તેમની સેવાપોથી, એલપીસી સહિતના જરૂરી દસ્તાવેજો સમયસર સોંપવામાં આવ્યા અને ઓનલાઈન ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયા પણ સ્થળ પર જ પૂર્ણ કરાઈ. આનાથી શિક્ષકોને પોતાના મૂળ જિલ્લામાં ફરીથી આવવાની જરૂરિયાત રહી નહીં અને તેઓ નવા કાર્યસ્થળે ઝડપથી હાજર થઈ શકશે.
શિક્ષક સંગઠનોએ પણ જિલ્લા શિક્ષણ તંત્રની આ પહેલને આવકારી છે. સંગઠનના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષો બાદ પ્રથમ વખત જિલ્લા ફેરની સમગ્ર પ્રક્રિયા આટલી સરળ, સમયબદ્ધ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ છે. શિક્ષકોને અગાઉ જે જટિલ અને સમયખાઉ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું તેમાંથી હવે નોંધપાત્ર રાહત મળી છે.
શિક્ષણ વિભાગની આ પહેલ માત્ર વહીવટી કાર્યક્ષમતાનું જ નહીં, પરંતુ શિક્ષકમૈત્રી અભિગમનું પણ પ્રતિબિંબ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ આ મોડેલ પ્રેરણારૂપ બની શકે તેવી ચર્ચા શિક્ષણજગતમાં થઈ રહી છે. શિક્ષકોને ઝડપી અને સરળ સેવાકીય લાભો ઉપલબ્ધ કરાવવાની આ કામગીરીને કારણે સંતોષનો માહોલ જોવા મળ્યો છે.





Leave a comment