ગેઇમ્સના મનોચિકિત્સકોએ મનને તરોતાઝા રાખવા ધાર્મિક ઉત્સવને ગણાવ્યા કુદરતી ડોપામાઇન ડોઝ

તહેવાર આપણા  લોકજીવનનો મહત્વનો હિસ્સો છે. ચોક્કસ સમયાંતરે આવતા તહેવારો કોઈને કોઈ ધાર્મિક સંદેશો લાવે છે એ સનાતન સત્ય છે. લોકજીવનને  સાર્થક કરતી આ ધાર્મિક અને ઉત્સવ પરંપરામાં મેડિકલ વિજ્ઞાન પણ છુપાયેલું છે, એમ  અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે.જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ જણાવ્યું હતું.

હોસ્પિટલના મનોચિકિત્સક  ડો.રિદ્ધિ ઠક્કરે કહ્યું કે, ઉત્સવ સદીઓ પૂર્વે જેટલા આવશ્યક હતા એથી યે વિશેષ  આજે તેનું  મહત્વ ખૂબ જ વધી ગયું છે, કારણ કે માનવીની લાઈફ સ્ટાઈલ આજે દોડધામ, તણાવ અને જવાબદારીથી ભરેલી છે,ત્યારે ઉત્સવ એ ધાર્મિક અને સામાજિક પરંપરા સાથે કુદરતી મેડિકલ થેરાપી પણ છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા અનેક ઉપાયો કરવા પડે છે, તેમ મનને નિરોગી રાખવા ઉત્સવની પણ જરૂર પડે છે.એ સત્ય આપણા પૂર્વજો પહેલીથી જ સમજી ગયા હતા.

મનો ચિકિત્સકોનું માનવું છે કે, ઉત્સવ એ મગજ માટે ડોપામાઈન અને સેરોટોનિનનો કુદરતી ડોઝ છે. ઉત્સવ વખતે આપણે એકબીજાને મળીએ ત્યારે મગજમાંથી ખુશીના હોર્મોન્સ રિલીઝ થાય છે જે  એન્ટી ડિપ્રેસન્ટ દવાની ગરજ સારે છે.

ઉત્સવ એક ઈમ્યુનિટી બૂસ્ટર:

જેમ ઉપવાસથી શરીરમાં રહેલું  ઝેર નીકળી જાય છે અને શરીરને સ્વચ્છ બનાવે છે, તેમ ઉત્સવ  મનને સ્વચ્છ બનાવે છે. ઉત્સવને ઈમ્યુનીટી બૂસ્ટર પણ માનવામાં આવે છે. એકલતા આજના સમયની સૌથી મોટી બીમારી છે. ઉત્સવ આપણને પરિવાર અને સમાજ સાથે જોડે છે. આ સામાજિક જોડાણ જ આપણી માનસિક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે,એમ મનોચિકિત્સક ડો. નીરવ ચાનપાએ કહ્યું હતું. 

ચોમાસામાં બીમારીઓનું પ્રમાણ અન્ય ઋતુઓ કરતાં વધુ જોવા મળે છે, ત્યારે માનવીને એક પ્રકારની ઉદાસીનતા કોરી ખાય છે.એટલે  આ સમયે જ ભારત વર્ષના ઋષિ મુનિઓએ  સૌથી વધુ ઉત્સવો મૂક્યા, જેથી માણસ ઘરમાં જ બેસી  ન રહે અને લોકો વચ્ચે હરે ફરે,જેથી મનની નિરાશા દૂર થાય

શંખનાદ – ઘંટનાદ એ પ્રકૃતિદત્ત સાઉન્ડ થેરાપી:

શ્રાવણ માસમાં  આખો  મહિનો કે ઓમવારે ઉપવાસ – એકટાણા કરવામાં આવે છે. મેડિકલ સાયન્સ તેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહે છે, જે પાચનતંત્રને આરામ આપે છે. ધાર્મિક તહેવારોમાં શિવાલયમાં શંખનાદ,ઘંટનાદ એ પણ એક પ્રકૃતિદત્ત સાઉન્ડ થેરાપી છે. જે મનની બેચેની ઘટાડે છે જેમ શરીરને સાજુ રાખવા ઉપાયો કરાય છે તેમ મનને જીવંત રાખવા ઉત્સવ પણ એટલા જ જરૂર છે.

પ્રકૃતિની મેડિકલ ડિઝાઇન:

શ્રાવણ માસ આમેય ઉત્સવોનો માસ ગણાય છે.સમગ્ર માસ દરમિયાન  કોઈને કોઈ ઉત્સવ આવતા રહે છે.આ જ માસમાં એટલા ઉત્સવ એ કંઈ સંયોગ નથી પણ પ્રકૃતિની એક મેડિકલ ડિઝાઇન છે.

Leave a comment

Trending